ગુજરાત ભાડા વિધેયક 2026 ના વિરોધમાં વાપી કોર્ટના વકીલોનું આંદોલન: ત્રણ દિવસથી કામકાજથી અળગા રહી પરિપત્રની હોળી કરી
ગુજરાત ભાડા વિધેયક 2026 ના વિરોધમાં વાપી કોર્ટના વકીલો આંદોલનના માર્ગે ઉતર્યા છે. વિધેયકની વિસંગતતાઓ અને નવી જોગવાઈઓ સામે નારાજગી વ્યક્ત કરીને વકીલો છેલ્લા 3 દિવસથી કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા છે. શુક્રવારે વકીલોએ એકઠા થઈ વિધેયક સંબંધિત પરિપત્રની હોળી પ્રગટાવી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
વકીલોનું કહેવું છે કે આ વિધેયક હેઠળ જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીની કચેરીઓને અપાયેલી સત્તાઓને કારણે પક્ષકારો તેમજ વકીલોને ભવિષ્યમાં ભારે કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. છેલ્લા 3 દિવસથી કામકાજ ઠપ રહેતા સેંકડો પક્ષકારો અટવાયા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પી.ડી. પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ આંદોલનમાં વકીલોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.
�
Vapi, Valsad | Oct 3, 2026