દાહોદના મીરાખેડીમાં નશાબંધી અને વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો: ૫૦૦થી વધુ લોકો જોડાયા
ગુરુ ગોવિંદ લીમડી,દાહોદ,
દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના મીરાખેડી સ્થિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે નશાબંધી અને વ્યસનમુક્તિ વિષય પર એક વિસ્તૃત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો મળીને આશરે ૫૦૦ જેટલા સહભાગીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન સમાજમાંથી વ્યસનની બદી દૂર કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં નશાબંધી અંગે જાગૃતિ ફેલાવતી એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં વ્યસનમુક્તિ પ્રત્યે વિચારસરણી કેળવાય તે હેતુથી નિબંધ સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભીલ સેવા મંડળના પ્રમુખ શ્રી શાંતિલાલ નીનામાએ ઉપસ્થિત સૌને વ્યસનમુક્ત જીવન શૈલી અપનાવવા આહ્વાન કર્યું હતું. નશાબંધી અધિક્ષક શ્રી જે. એસ. ચૌધરી તથા સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર. બી. ખાટાએ નશાના કારણે સ્વાસ્થ્ય અને સમાજ પર પડતી ગંભીર અસરો વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી.
આ કાર્યક્રમમાં આશ્રમ શાળાના આચાર્યશ્રી કલસીંગભાઈ ભાભોર, મીરાખેડીના સરપંચશ્રી ભાનુબેન રાકેશભાઈ દેવધા સહિત શાળાનો સ્ટાફ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરી સમાજમાં સકારાત્મક સંદેશ આપવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
#DahodLive #GujaratNews #DahodUpdates
દાહોદ સમાચાર, દાહોદ ન્યૂઝ, Dahod News, Dahod Live, ગુજરાત સમાચાર, દાહોદ અપડેટ, દાહોદ લેટેસ્ટ ન્યૂઝ, Dahod Latest News, Dahod Breaking News
Garbada, Dahod | Oct 2, 2026